બાઈકચાલકને ફોર વ્હીલ ચાલકે ટક્કર મારી હતી
અકસ્માત જોવા ઉભેલા ટોળા પર એક્ટિવા ફરી વળ્યું
લોકોને તથ્ય કાંડ યાદ આવી ગયો
અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું, આ સમયે પૂરપાર આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘૂસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક થલતેજ અંડર બ્રિજથી પેલેડિયમ મોલની બાજુમાં આવેલા બ્રિજ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કર્યા બાદ અજાણ્યો કારચાલક ફરાર થઇ ગયો હતો. રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈ લોકોને તથ્ય કાંડની યાદ આવી ગઈ હતી.
અકસ્માતનો બનાવ બન્યો તે જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતો મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂર ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેથી અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી.