અમદાવાદઃ શહેરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત છે. શહેરના મણિનગર વિસ્તારમાં એક મહિલા દ્વારા હેવમોર કંપનીના કોન આઇસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાની ઘટના સામે આવતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું.. મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરને સીલ કરી દેવામાં આવ્યું છે. હેવમોરના નરોડા GIDC મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગે કંપનીના બેચ નંબર આધારિત તમામ આઇસ્ક્રીમ બજારમાંથી પરત લેવાની સૂચના આપી છે અને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો હતો
મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાર્લરમાંથી ખરીદેલા હેવમોર કંપનીના આઈસ્ક્રીમ (કોન)માંથી ગરોળીની પૂંછડી નીકળી હોવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી હતી. ફરિયાદને આધારે મણીનગર મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પાર્લર પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. ફૂડની ટીમ દ્વારા નરોડા જીઆઈડીસી ખાતે હેવમોર કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે તપાસ કરવામાં આવી હતી. જે આઇસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી તેનો માલ બજારમાંથી પરત લેવા માટેની સૂચના આપવામાં આવી હતી.
કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ મણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ફરિયાદ મીડિયા મારફતે ધ્યાનમાં આવી હતી. તાત્કાલિક ધોરણે તેમનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, નગર રેલવે ક્રોસિંગ પાસે મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાંથી તેઓએ હેવમોર કંપનીનો હેપ્પી કોન આઇસ્ક્રીમ ખરીદ્યો હતો. ટીમ દ્વારા પાર્લર ખાતે તપાસ કરવામાં આવી હતી. જેથી જાણવા મળ્યું કે, ફૂડ સેફટી એક્ટ અંતર્ગત લાઇસન્સ લેવામાં આવ્યું નથી. બાદમાં તાત્કાલિક ધોરણે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.