- NTA ઓફિસર શંકાના દાયરામાં
- પૂછપરછમાં વધુ ચોંકાવનારા થઈ શકે છે ખુલાસા
નવી દિલ્હીઃ NEET-UG 2026પેપર લીક કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર કૌભાંડમાં એક નવો અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે જોડાયેલા એક અજ્ઞાત અધિકારીનું નામ હવે સીધું સીબીઆઈ રડાર પર આવી ગયું છે.
આ મોટો ખુલાસો મનીષા સંજય માંઢરે અને કેમિસ્ટ્રીના લેક્ચરર પીવી કુલકર્ણીની ધરપકડ બાદ થયો છે. આ બંનેની 3 મેના રોજ યોજાયેલી પરીક્ષાના પેપર લીક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે દેશભરમાં મચેલા હોબાળા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી. હાલમાં કોર્ટે આ બંને આરોપીઓને 10 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સીબીઆઈ કોર્ટ પાસે મનીષા માંઢરેની કસ્ટડી માંગી રહી હતી, ત્યારે એજન્સીએ આ સમગ્ર ખેલમાં ઇનસાઇડ જોબ એટલે કે અંદરના લોકોની મિલીભગત હોવાના સંકેત આપ્યા હતા. સીબીઆઈનો આરોપ છે કે વાઘમારેએ અન્ય આરોપીઓ અને એનટીએના જ એક અજ્ઞાત અધિકારી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ કાવતરા હેઠળ પરીક્ષાના ઘણા દિવસો પહેલા, એટલે કે 27 એપ્રિલે જ પ્રશ્નપત્ર અને તેની આન્સર-કી આરોપીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા.
સીબીઆઈના જણાવ્યાં અનુસાર, વાઘમારેની મુલાકાત આ સમગ્ર પેપર લીકના કથિત માસ્ટરમાઇન્ડ પીવી કુલકર્ણી સાથે બાયોલોજીની લેક્ચરર મનીષા માંઢરેએ કરાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે મનીષા માંઢરે પોતે એનટીએની પેપર-સેટિંગ કમિટીની સભ્ય હતી, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ એજન્સીએ જણાવ્યું કે મનીષા માંઢરેએ કુલકર્ણી પાસેથી પ્રશ્નો મેળવ્યા અને મોટી રકમના બદલામાં તેને અન્ય એક આરોપી ધનંજય લોખંડે અને કેટલાક અન્ય લોકોને સોંપી દીધા હતા. લોખંડેની 13 મેના રોજ મહારાષ્ટ્રના અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી હતી, જેના પર આગળ વિદ્યાર્થીઓ સુધી પેપર વહેંચવાનો આરોપ છે.
ઉપરાંત પુરાવા નાબૂદ કરવાના પણ પૂરા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કુલકર્ણી દ્વારા વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવેલા કેમિસ્ટ્રીના હાથથી લખેલા પ્રશ્નોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 3 મેના રોજ પરીક્ષા પૂરી થયાના તરત જ બાદ મનીષા માંઢરેએ પણ બાકીના કાગળો સળગાવીને રાખ કરી દીધા હતા.