(Demo Pic)
સુરતઃ ડીરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સની સુરત ટીમે રેલવે સ્ટેશન પર મોટું ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ માફિયાઓનેે જડબાતોડ જવાબ આપ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી હાઈ પ્રોફાઈલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો અત્યંત શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયા જેટલી થાય છે.
આ મામલે DRI એ મુસાફરી કરી રહેલા 39 વર્ષીય આરોપી ફેઝલ અહમદની ધરપકડ કર, તેને સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેને પગલે તપાસ એજન્સીઓએ આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
DRI ના ઉચ્ચ અધિકારીઓને અગાઉથી જ ચોક્કસ ઇનપુટ્સ મળ્યાં હતા કે, દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેનમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઇ રહી છે. આ બાતમીને પગલે DRI ની ટીમે તપાસ શરૂ કરી હતી. તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી, ત્યારે જ તેમાં તપાસ કરવામાં આવી હતી.
ટ્રેનની અંદર તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફર પર અધિકારીઓની નજર પડી હતી. તેને અટકાવીને જ્યારે તેના સામાનની તપાસ કરી તો તેમાંથી કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. DRI ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી ફેઝલ અહમદએ કબૂલાત કરી છે કે, તે દિલ્હીથી આ ડ્રગ્સ લઇને નીકળ્યો હતો. આ કરોડોની કિંમતનો જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો.