+

પોલીસનું દમદાર કામ... રૂ.2300 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય આરોપી હર્ષિત જૈન ઝડપાયો- Gujarat Post

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ એએમસીએ ધરપકડ કરી ગુજરાત પોલીસે હર્ષિત જૈનેને પકડવા રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી અમદાવાદ: ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. માધુપુરામાં થયેલા ર

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ એએમસીએ ધરપકડ કરી

ગુજરાત પોલીસે હર્ષિત જૈનેને પકડવા રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી

અમદાવાદ: ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. માધુપુરામાં થયેલા રૂપિયા 2300 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડનો મુખ્ય આરોપી હર્ષિત જૈન દુબઈથી ડિપોર્ટ થતા જ SMC દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષથી વધુ સમયથી ફરાર આ રીઢા આરોપીને ઝડપી પાડવા માટે ગુજરાત પોલીસે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂં કરી હતી.

28 માર્ચ 2023ના રોજ અમદાવાદ PCBની ટીમે ભૂતપૂર્વ PI તરલ ભટ્ટના નેતૃત્વ હેઠળ માધુપુરામાં દરોડા પાડ્યાં હતા. આ રેડમાં મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ચાલતા સટ્ટા-હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો .પોલીસ તપાસમાં આરોપીની ઓફિસમાંથી રૂપિયા 2300 કરોડના સટ્ટાનું રેકોર્ડિંગ મળી આવ્યું હતું. આ સમગ્ર રેકેટ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને હવાલા મારફતે ચાલતું હતું.

પોલીસને એક મોબાઈલ એપ્લિકેશન મળી હતી, જેના માધ્યમથી બુકીઓ સટ્ટો રમાડતા હતા. તેઓ એજન્ટો મારફતે આઈડી બનાવી લોકોને સટ્ટો રમવા માટે જોડતા હતા. આ કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈન છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. આખરે, ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈ પોલીસના સહકારથી ઓપરેશન પાર પાડીને વહેલી સવારે 4 વાગે હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસનો બીજો મુખ્ય આરોપી દીપક ઠક્કર એક વર્ષ પહેલા દુબઈથી ઝડપાયો હતો. અત્યાર સુધીમાં આ સટ્ટાકાંડમાં કુલ 35 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

facebook twitter