આરોપી અને મૃતક બિહારના ગોપાલગંજના રહેવાસી
હત્યાના દિવસે પગાર લઈ નોકરી છોડી દીધી હતી
નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સુરતઃ હત્યા કરાયેલું માથું અને ધડ મળી આવ્યાંની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકે મા- બહેન સામે ગાળો આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ ધડથી અલગ કરી દેવામાં આવેલું માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. ધડ પણ ફેંકવાની યોજના હતી પરંતુ વાત વાયુ વેગે પ્રસરી જતાં આરોપીએ પ્લાન મુલતવી રાખ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. મૃતક અને આરોપી બંને બિહારના ગોપાલગંજના રહેવાસી હતા અને એક જ જગ્યાએ કામ કરતા હતા અને સાથે રહેતા હતા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપ્યા બાદ તે સુરતમાં જ રહ્યો હતો અને એક દિવસ પહેલાં બીજી જગ્યાએ કામે લાગી ગયો હતો. હત્યાના દિવસે 8 હજાર રૂપિયાનો પગાર લઈને નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે દેખાયા હતા, જેથી પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઇ ન હતી. માત્ર હત્યા માટે જ તેનો ઉપયોગ થયો હતો. રૂમમાંથી સળિયો પણ મળ્યો હતો, જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું. પોલીસે તપાસના અંતે આરોપી ઈશાદ ઉર્ફે મુન્ના મન્સુરીની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપી ઈશાદે જણાવ્યું કે દિનેશ સાથે તેનો ઝઘડો થયો હતો. ઝઘડામાં દિનેશે ઈશાદની બહેન અને માતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેનાથી ગુસ્સે થઈને ઈશાદે દિનેશ પર પહેલા પથ્થર માર્યો હતો. તેમ છતાં દિનેશ ગાળો બોલતો જ રહ્યો. જેથી ઈશાદ વધુ ગુસ્સે થઈ ગયો હતો અને રૂમમાં પડેલા ચપ્પુથી દિનેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. પોલીસથી બચવા માટે ઈશાદે દિનેશનું માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. ધડ રૂમમાં છોડી દીધું અને લસકાણાથી નાસી છૂટ્યો હતો. તેણે વિસ્તાર પણ બદલી નાંખ્યો હતો અને નોકરી પણ શોધી લીધી હતી. નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.