દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો

12:26 PM Jan 14, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના સરકારી આવાસ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીના લ્યુટિયન્સ ઝોન સ્થિત 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર તેમનું નિવાસસ્થાન આવેલું છે, જ્યાં બુધવારે સવારે આશરે 8:05 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

શરૂઆતમાં ફાયર બ્રિગેડને કોઠી નંબર 2માં આગ લાગી હોવાની માહિતી મળી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે આગ કોઠી નંબર 21 (રવિશંકર પ્રસાદનું નિવાસસ્થાન) માં લાગી હતી. આગ ઘરના એક રૂમમાં રાખેલા બેડ (પલંગ) માં લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.  ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

સૌથી રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. જે સમયે રૂમમાં આગ લાગી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આગનું કેન્દ્ર બેડ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.