+

સુરતમાં ગજેરા બંધુઓ પર 72 કલાકથી ITનું મેગા સર્ચ ઓપરેશન, જાણો શું મળ્યું ?

રિયલ એસ્ટેટ-હીરા બજારમાં ફફડાટ શેરબજારમાં કરેલા જંગી રોકાણોના પુરાવા મળ્યાં મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીની જ્વેલરી સીઝ કરવામાં આવી ભાગેડુ મેહુલ ચોકસી સાથેેનું કનેક્શન પણ સામે આવ્યું&nbs

  • રિયલ એસ્ટેટ-હીરા બજારમાં ફફડાટ
  • શેરબજારમાં કરેલા જંગી રોકાણોના પુરાવા મળ્યાં
  • મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીની જ્વેલરી સીઝ કરવામાં આવી
  • ભાગેડુ મેહુલ ચોકસી સાથેેનું કનેક્શન પણ સામે આવ્યું 

સુરતઃ જાણીતા ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર લોબીના અગ્રણી અનિલ બગદાણા પર ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે છે. છેલ્લા 72 કલાકથી ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગના દિગ્ગજોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આજે જ્યારે મીડિયાની ટીમ વસંત ગજેરાના ભાઈ ધીરુ ગજેરાના નિવાસસ્થાને પહોંચી ત્યારે એક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા. રેડ અંગેના સવાલોથી બચવા માટે ધીરુ ગજેરા કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા. હું આ રેડ વિશે કંઈ જાણતો નથી, બપોર પછી મળો તેમ કહી તેઓ ઉતાવળમાં ગાડી હંકારીને ત્યાંથી નીકળી ગયા હતા.

આઈટી વિભાગની પ્રાથમિક તપાસમાં કરચોરીની જે પદ્ધતિ સામે આવી છે તે અધિકારીઓને પણ ચોંકાવી દે તેવી છે. જેમાં જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવા માટે પહેલા અન્ય વ્યક્તિઓના નામે જમીન ખરીદવી અને ત્યારબાદ ચોક્કસ ગોઠવણ કરી પોતાના નામે ટ્રાન્સફર કરવાનું મોટું કૌભાંડ હોવાની આશંકા છે.

ગજેરા પરિવારના સભ્યો ડઝનબંધ કંપનીઓમાં ડિરેક્ટર પદ ધરાવે છે. વસંત ગજેરા 32, ચુની ગજેરા 41, વૃષાલ 23 અને જતીન ગજેરા 8 કંપનીઓમાં ડિરેક્ટર છે. આ તમામ કંપનીઓના બેંકિંગ વ્યવહારો હવે તપાસ હેઠળ છે.તેમજ વસંત ગજેરાએ તેમના વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે.

આઈટી વિભાગને 10 દિવસ પહેલા આપેલી નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અત્યાર સુધીની તપાસમાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે કરાયા છે. શેરબજારમાં કરેલા જંગી રોકાણોના પુરાવા મળ્યા છે. મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીની જ્વેલરી સીઝ કરવામાં આવી છે.  હજુ પણ અનેક બેંક લોકરો ખોલવાના બાકી છે. આગામી દિવસોમાં સુરતના ઇતિહાસનો આ સૌથી મોટો કાળા નાણાંનો પર્દાફાશ થઈ શકે છે અને બેનામી મિલકતોનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે.

facebook twitter