+

ભાવનગરમાં મહિલા SDM ના ડ્રાઈવરનો લાંચ માંગતો વીડિયો વાઈરલ

ભાવનગરઃ શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં મિલકત લે-વેચની મંજૂરી મેળવવાના બહાને લાખો રૂપિયાની લેતીદેતીનો કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે મહિલા પ્રાંત અધિકારીએ ડ્રાઈવરને ફરજમ

ભાવનગરઃ શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં મિલકત લે-વેચની મંજૂરી મેળવવાના બહાને લાખો રૂપિયાની લેતીદેતીનો કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે મહિલા પ્રાંત અધિકારીએ ડ્રાઈવરને ફરજમુક્ત કર્યો છે.

ભાવનગરનો ક્રેસન્ટ સર્કલ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે, જ્યાં મિલકતના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારી (SDM)ની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. આ વિસ્તારની 8 દુકાનો માટે કરવામાં આવેલી અરજીના બદલામાં લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર  વીડિયો વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ પૈસાની લેતીદેતી અંગે વાત કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ મહિલા SDM પ્રતિભા દહિયાનો આઉટસોર્સિંગ ડ્રાઈવર મોમીન ભાઈ છે.  વિવાદ વકરતા SDMએ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દીધો છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યાં છે.

SDM પ્રતિભા દહિયાએ આ મામલે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, મને આ ઘટનાની જાણ મીડિયા દ્વારા થઈ છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ મારો આઉટસોર્સિંગ ડ્રાઈવર છે, પરંતુ આ ભ્રષ્ટાચારમાં વિશે હું કંઇ જાણતી નથી. તે કોઈ થર્ડ પાર્ટી સાથે ફાઈલ ક્લિયરન્સ માટે પૈસાની માંગણી કરી રહ્યો છે. અમે તપાસ કરી રહ્યાં છીએ કે આ કેસમાં બીજું કોઇ સંડોવાયેલું છે કે નહીં.

ભાવનગર એસપી ડો. નિતેષ પાંડેએ અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા સ્પષ્ટ કરતાં જણાવ્યું, સૌ પ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લેવામાં આવે છે. ત્યાર બાદ DYSP સિટી પોતાનો રિપોર્ટ આપે છે. પછી SP કક્ષાએથી અભિપ્રાય તૈયાર કરી SDMને મોકલવામાં આવે છે. એસપીએ વધુમાં ઉમેર્યું કે, મોટાભાગે મેરિટના આધારે નેગેટિવ અભિપ્રાય આપવામાં આવતા હોય છે અને દર મહિને આવી આશરે 40 થી 50 દરખાસ્તો આવતી હોય છે. આ કથિત લાંચ પ્રકરણમાં તટસ્થ તપાસ માટે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

facebook twitter