અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત જ કડકડતી ઠંડી સાથે થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું જોર ઘણું વધશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી સતત ઠંડા પવનો ફૂંકાતા રહેશે. જેના કારણે આગામી એક સપ્તાહમાં રાત્રિનું તાપમાન હાલના તાપમાન કરતાં 2 થી 4 ડિગ્રી જેટલું વધુ ઘટવાની શક્યતા છે.
7 થી 10 ડિસેમ્બર દરમિયાન રાત્રિનું તાપમાન 11 થી 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને દાહોદનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, 11 થી 15 ડિસેમ્બરની વચ્ચે ઉત્તર ભારતના 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ની અસરને કારણે ઠંડા પવનો વધુ તીવ્ર બનશે અને કચ્છ-ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પારો 8 થી 10 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દાહોદમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન આ પ્રમાણે રહ્યું હતું:
નલિયા (કચ્છ): 12.6 ડિગ્રી
ગાંધીનગર: 13.2 ડિગ્રી
કંડલા: 13.2 ડિગ્રી
ડીસા: 13.8 ડિગ્રી
વડોદરા: 14.1 ડિગ્રી
અમદાવાદ: 15.8 ડિગ્રી
કેશોદ: 16.2 ડિગ્રી
હવામાન વિભાગના કહેવા મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. સવારે વહેલા તાપમાનમાં ઘટાડો થશે, ત્યારબાદ બપોરે સૂર્યપ્રકાશ થોડો હળવો લાગશે, પરંતુ સાંજે ઠંડી ફરી તીવ્ર બની જશે. ઠંડીની આ વધઘટને કારણે લોકોમાં શરદી, ઉધરસ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.