+

સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા

પ્લાસ્ટિકના કોથળામાંથી મળી હતી લાશ સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં વૃદ્ધાની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૂળ બિહારના અને હાલ કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય હમીદાખાતુનન

  • પ્લાસ્ટિકના કોથળામાંથી મળી હતી લાશ

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં વૃદ્ધાની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૂળ બિહારના અને હાલ કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય હમીદાખાતુનની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેમના સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અમરોલી કોસાડ આવાસના એચ-2 બિલ્ડિંગમાં રહેતા હમીદાખાતુન ગત 10 માર્ચના રોજ સવારે કપડાં લેવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. મોડે સુધી પરત ન ફરતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, 11 માર્ચના રોજ સવારે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને હનુમાનજી મંદિરની દીવાલ પાસે પડેલા એક પ્લાસ્ટિકના કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી હમીદાખાતુનની લાશ મળી આવી હતી.

ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, હમીદાખાતુનની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી. હત્યા પહેલાં મહિલાના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા. મોઢું, નાક અને ગળું દબાવીને તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારાયા હતા. અંદાજે 30 કલાક પહેલાં આ હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.

પોલીસને શરૂઆતથી જ આ શંકાસ્પદ મોતમાં પારિવારિક કલેશની આશંકા હતી. ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પરિવાજનોની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા આખરે સત્ય બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પારિવારિક ઝઘડાને કારણે પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ મળીને આ કાવતરું ઘડ્યું હતું અને વૃદ્ધાની હત્યા કરી લાશને કોથળામાં ભરીને આવાસ નજીક ફેંકી દીધી હતી.

facebook twitter