વલસાડઃ ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદનું ફરી આગમન થયું છે. વલસાડ જિલ્લામાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને એમજી રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહાદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં 4 ઇંચથી વધુનો વરસાદ થયો છે.આ સાથે પારડીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ તેમજ છોટા ઉદેપુરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ મુજબ આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. જો કે, 14 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. 14 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે.