અનામત બેઠકોનું રોટેશન થશે, રાજકીય પક્ષોનું ગણિત બદલાશે
અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. આ ચૂંટણીઓ વિધાનસભા ચૂંટણી પહેલા હોવાથી મહત્વની છે. આગામી એક મહિનામાં આ ચૂંટણીઓ માટે સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે.
ગુજરાતમાં નવ નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે. આ મહાનગરપાલિકાઓની બેઠકોનું સીમાંકન 2011ની વસ્તી ગણતરી મુજબ થશે. દરેક નવી મહાનગરપાલિકામાં અંદાજે 13 વોર્ડ અને 52 બેઠકો હોય શકે છે. આ પ્રક્રિયામાં કયા વોર્ડમાં કયા વિસ્તારોનો સમાવેશ થશે તે નક્કી કરવામાં આવશે.
હાલની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, આ બેઠકોમાં OBC, SC અને ST માટે અનામત બેઠકોનું રોટેશન થશે, એટલે કે અનામત બેઠકોના વિસ્તારો બદલાશે. આ સમગ્ર પ્રક્રિયા આગામી છ મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે.
અનામત બેઠકોનું રોટેશનથી શું અસર થશે ?
રાજકીય પક્ષો માટે પડકાર: અત્યાર સુધી જે વિસ્તાર કોઈ ચોક્કસ અનામત જાતિ માટે અનામત હતો, ત્યાં તે જાતિના ઉમેદવાર જીતવાની શક્યતા વધુ રહેતી હતી. પરંતુ હવે રોટેશનને કારણે તે બેઠક બીજા કોઈ વિસ્તારમાં જશે. જેથી, રાજકીય પક્ષોએ નવા વિસ્તારોમાં તે જાતિના યોગ્ય ઉમેદવાર શોધવા પડશે અને નવી રણનીતિ બનાવવી પડશે.
નવા ચહેરાઓને તક: જે વિસ્તારમાં અત્યાર સુધી કોઈ સામાન્ય કે બીજી અનામત બેઠક હતી, ત્યાં હવે નવી અનામત બેઠક આવતાં તે જાતિના નવા ઉમેદવારોને ચૂંટણી લડવાની તક મળશે.
ગણિત બદલાશે: રાજકીય પક્ષોને કયા વિસ્તારમાં કોને ટિકિટ આપવી અને ક્યાંથી કોણ જીતી શકે છે, તેના માટે નવા સમીકરણો ગોઠવવા પડશે. તેનાથી તેમની જીત-હારના ગણિતમાં મોટો ફેરફાર થઈ શકે છે.
થોડા દિવસો પહેલા જ રાજ્ય ચૂંટણી પંચે નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂંક કરી હતી. જેને આ મહાનગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઇ હોવાના સંકેતરૂપે જોવાઇ રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++