નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે, જે મુજબ રિટર્ન જર્નીવાળી મુસાફરી પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના હાલ એક્સપેરિમેન્ટલ બેસિસ પર લાગુ કરવામાં આવશે, જેથી કરીને તેની અસર અને મુસાફરોની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરી શકાય.
રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન ભીડ મેનેજ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે 'રાઉન્ડ ટ્રીપ પેકેજ' યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન જર્ની ટિકિટ એટલે કે આવવા જવાની ટિકિટ એક સાથે બુક કરાવનારા મુસાફરોને રિટર્ન ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
આ યોજના 14 ઓગસ્ટ 2025 થી શરૂ થશે. જે હેઠળ પ્રથમ યાત્રા (ઓનવર્ડ જર્ની) માટે ટિકિટ 13 ઓક્ટોબર 2025 થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. ત્યાર પછી 'કનેક્ટિંગ જર્ની ફીચર' દ્વારા 17 નવેમ્બર 2025 થી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની તારીખ માટે રિટર્ન (રીટર્ન જર્ની) ટિકિટ બુક કરાવી શકાશે.
બંને બાજુની ટિકિટ એક જ મુસાફરના નામે કન્ફર્મ થશે ત્યારે જ આ યોજનામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય. રિટર્ન મુસાફરીના બેઝ ફેરમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે.