- વિરોધીઓ અને નબળા નેતાઓની થઇ શકે છે હકાલપટ્ટી
- સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપવા માંગ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પક્ષના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતાં ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર નવી નિમણૂંક કરવામાં આવી શકે છે. આ ફેરફારોમાં સંગઠનમાં યુવા વર્ગ અને નવા ચહેરાઓને વિશેષ સ્થાન આપવામાં આવશે. ચૂંટણી દરમિયાન જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, તેવા લોકોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.
ઉપરાંત સંગઠન વિશે ખોટી છાપ ઊભી કરનારા નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. તેમજ ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા નેતાઓને પણ હોદ્દા પરથી દૂર કરાશે.
ઉલ્લેખનીય છે કે, સંગઠન સર્જન અભિયાન દરમિયાન જ આ ફેરફારો કરવાના હતા. શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યાં બાદ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા ત્યારે જ નવા સંગઠનની જાહેરાત થવાની હતી, પરંતુ ચૂંટણી આવી જતાં આ કામગીરી અટવાઈ હતી જે હવે પૂર્ણ કરાશે. 2027 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂત થવા આ ફેરફારો કરવા જઇ રહી છે.