પંજાબમાં પૂર: 43 લોકોનાં મોત, 3.84 લાખ લોકો પ્રભાવિત, સીએમ ભગવંત માને સ્થિતીની કરી સમીક્ષા

12:44 PM Sep 05, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ પંજાબમાં પૂર ભયંકર વિનાશનું કારણ બની રહ્યું છે. પાણીના આ તાંડવને કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. 23 જિલ્લાના 1902 થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અંદાજે 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગામડાઓમાં પૂરગ્રસ્ત લોકો અને વહીવટીતંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માને અસરગ્રસ્ત ગામોમાં એક-એક ગેઝેટેડ ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો છે. અસરગ્રસ્ત લોકો આ અધિકારીઓ સાથે તેમની સમસ્યાઓ શેર કરી શકશે.

હિમાચલના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભાખરા ડેમના જળસ્તરમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા, BBMB મેનેજમેન્ટે ચારેય ફ્લડ ગેટ 9-9 ફૂટ સુધી ખોલી દીધા છે. મળતી માહિતી મુજબ, એક લાખથી વધુ પાણીની આવક સાથે ભાખરા ડેમનું જળસ્તર 1679 ફૂટ પર પહોંચી ગયું હતું. દરમિયાન, ટર્બાઈન અને ફ્લડ ગેટ દ્વારા કુલ 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે સતલજ નદીના કિનારે આવેલા નીચાણવાળા ગ્રામીણ વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે, ડીસી રૂપનગર વર્જિત વાલિયા અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે સવારે જ લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપી હતી.

ભાખરા ડેમમાંથી છોડવામાં આવેલા 85,000 ક્યુસેક પાણીમાંથી, નંગલ ડેમમાંથી નીકળતી નંગલ હાઇડલ અને શ્રી આનંદપુર સાહિબ હાઇડલ નહેરમાં 9-9 હજાર ક્યુસેક પાણી અને સતલજ નદીમાં 67 હજાર ક્યુસેક પાણી જઈ રહ્યું છે. જેના કારણે હર્ષા બેલા, પત્તી દુચલી, પત્તી ટેક સિંહ, સૈંસોવાલ, એલગરાં, બેલા ધ્યાની, બેલા ધ્યાની લોઅર, બેલા રામ ગઢ, શિવ સિંહ બેલા, પ્લાસી, સિંઘપુરા, જોહલ, તર્ફ મજારી, ભલાણ, કલિત્રા, દડોલી લોઅર અને દબખેડા ગામોમાં પૂરનો ખતરો વધી ગયો છે.