વડોદરાઃ શહેરના પાણીગેટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. 25 ઓગસ્ટની રાત્રે લગભગ 3 વાગ્યે, નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યાં હતા. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
સ્થાનિકોએ આ કૃત્યને આતંકવાદી કૃત્ય ગણાવીને શહેરની શાંતિ અને સંસ્કૃતિને ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વડોદરાના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં. ઘટનાની જાણ થતાં જ વડોદરા સિટી પોલીસ સક્રિય થઈ હતી. સિટી પોલીસ મથકના પી.આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો કામે લાગી છે. સવારે 4 વાગ્યે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
વધુ માહિતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. હાલમાં, પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.
.jpg)