શ્રીનગરઃ સતત ભારે વરસાદને કારણે જમ્મુ- કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. કટરા ખાતે માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર બુધવારે થયેલા મોટા ભૂસ્ખલનમાં 31 લોકોનાં મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. ત્રિકુટા ટેકરી પર મંદિર તરફ જવાના માર્ગનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે
સતત વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલન થયું છે. જમ્મુમાં પુલ તૂટી પડ્યો છે, જેના કારણે વીજળીના તાર અને મોબાઇલ ટાવરને ભારે નુકસાન થયું છે. મંગળવારે, સવારે 11.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી, જમ્મુમાં 6 કલાકમાં 22 સેમી વરસાદ પડ્યો હતો. જો કે, મધ્યરાત્રિ પછી વરસાદ ઓછો થયો, જેના કારણે જિલ્લામાં થોડી રાહત મળી હતી.
મંગળવાર સુધીમાં, સતત વરસાદને કારણે પૂર અને પાણી ભરાઈ જવાને કારણે 3,500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતા. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સેના અને સ્થાનિક સ્વયંસેવકોની સંયુક્ત ટીમો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખોરાક, સ્વચ્છ પાણી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
વૈષ્ણો દેવી ધામ જતા માર્ગ પર ભૂસ્ખલનની ઘટનામાં જીવ ગુમાવનારા 9 લોકોની ઓળખ થઈ નથી. કેન્દ્રશાસિત પ્રદેશના ઘણા ભાગોમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાઈ ગયું છે, જેના કારણે લાખો લોકો સંપર્કથી દૂર થઈ ગયા છે. વહીવટીતંત્ર ઉચ્ચ જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
હાલમાં જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડું અને ભારે વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે - જમ્મુ શહેર, આરએસ પુરા, સાંબા, અખનૂર, નગરોટા, કોટ ભલવાલ, બિશ્નાહ, વિજયપુર, પુરમંડલ, કઠુઆ અને ઉધમપુર, રિયાસી, રામબન, ડોડા, બિલ્લાવર, કટરા, રામનગર, હીરાનગર, ગુલ અને બનિહાલમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/