અમદાવાદમાં સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
સંભવિત અસરગ્રસ્ત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ તકેદારી રાખવા અપીલ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. તેથી, સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.18 મીટર છે અને તે 82.62 ટકા ભરાઈ ચૂક્યો છે.
છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી અને સુભાષબ્રિજ પાસે નદીનું પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે સાબરમતી નદીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
સાબરમતી નદી પરના સંત સરોવર અને વાસણા બેરેજમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. સંત સરોવર ખાતેથી 96,234 ક્યુસેક અને વાસણા બેરેજ ખાતેથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીનો જથ્થો હજુ વધી શકે છે. આથી, નદી કાંઠાના વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઇંચ વરસાદ પડ્યો છે, જે કુલ 80 ટકા વરસાદ દર્શાવે છે.