માથું, હાથ-પગ બોરવેલમાં અને ધડ જમીનમાં દાટ્યું: કચ્છમાં યુવાનની ખૌફનાક હત્યાથી ચકચાર- Gujarat Post

05:10 PM Dec 09, 2025 | gujaratpost

ભૂજઃ કચ્છના નખત્રાણાના મુરૂ ગામના રમેશ પૂંજા માહેશ્વરી નામના 19 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના કથિત આડા સબંધને કારણે હત્યા થઇ છે, શરીરના છ ટુકડા કરીને ક્રુરતાપૂર્વક હત્યા કરી દેવાઇ છે.

આ ખૌફનાક હત્યાકાંડ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી રમેશ ભેદી સંજોગોમાં 5 દિવસ અગાઉ લાપતા થઇ જતાં તેની વ્યાપક શોધખોળ આદરવામાં આવી હતી. આ દરમિયાન મુરૂ ગામના કિશોર મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરવયના શંકાસ્પદોની પૂછપરછમાં હત્યાકાંડ સામે આવ્યો હતો.

મૃતક યુવાનના આરોપીના પરિવારની પરિણીત યુવતી સાથે આડા સબંધ હોવા અંગે જાણ થતા આરોપીઓએ રમેશની હત્યા કરી દેવાની યોજના બનાવી હતી. તેઓએ વાત કરવાના બહાને રમેશને ગામની સીમમાં બોલાવ્યો હતો અને તેને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી, ધારિયા વડે તેનું માથું અને હાથપગ કાપી નાખી ત્રણ જુદી-જુદી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે મૃતકનું ધડ એક બોરવેલની બાજુમાં ખાડો ખોદીને અંદર દાટી નાખ્યું હતું.

ધરપકડ કરાયેલા હત્યારાઓની પૂછપરછ બાદ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.તપાસ કરતા મૃતકનું જમીનમાં દાટેલું ધડ મળી આવ્યું હતું અને ત્રણ બોરવેલમાંથી મૃતકના શરીરના અંગો કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ રમેશની ક્રુરતાપૂર્વક હત્યા કર્યાં બાદ સીમમાં આવેલા અલગ અલગ ત્રણ બોરવેલમાં અંગો નાખી દીધા હતા. યુવકનું માથું, હાથ-પગ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર બોરવેલમાં નાખી દઈ ઉપરથી પથ્થરો નાખી દીધા હતા.