અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત- Gujarat Post

10:34 AM Sep 09, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીનું મોત થયું હતું. નારોલ વિસ્તારના રહેવાસી પતિ-પત્ની રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. આ રોડ પર મોટા ખાડાઓ છે અને તેમાં વરસાદનું પાણી ભરાયેલું હતું. અચાનક વીજ કરંટ લાગવાથી બંને બેભાન થઈને પાણીમાં પડી ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બહાર કાઢ્યાં હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ, આ વિસ્તારમાં રોડ પર ઘણા સમયથી ખાડાઓ હતા અને વરસાદનું પાણી ભરાઈ રહે છે. કરોડો રૂપિયાના બજેટ છતાં તંત્રની બેદરકારીને કારણે આ દંપતીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.