- ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા
- બંને પક્ષોએ સામા સામે આક્ષેપ કર્યા
વડોદરાઃ જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ પરની કોમેન્ટ અને જૂની અદાવતને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે જાહેર રસ્તા પર છુટ્ટાહાથની મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં કપડા ફાટવા અને માથા ફૂટવા જેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં 4 લોકો લોહીલુહાણ થતાં તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વિવાદનું કારણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર મૂકાયેલી પોસ્ટ પરની કોમેન્ટ તેમજ ગામના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થવા અંગેની જૂની અદાવત હતી.
ઈજાગ્રસ્ત પક્ષ પરેશ પટેલે દારૂ-જુગાર મુદ્દે ફેસબુક પર કરેલી કોમેન્ટ બાબતે ભાવેશ પટેલ અને તેમના સાથીદારો બોલાચાલી કરવા આવ્યા હતા અને પાછળથી માથામાં હુમલો કરી બેભાન કરી દીધા હતા. જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન ભાવેશ પટેલ આયુષ્માન કાર્ડ કેમ્પની બેઠક પતાવી પરત ફરતી વખતે 8થી 10 લોકોના ટોળાએ ગાડી રોકી, દરવાજા ખોલી હુમલો કર્યો હતો. લાયસન્સ રદ થવાના ગુસ્સામાં સંચાલક પક્ષ દ્વારા હુમલો કરાયો અને વીડિયો બનાવતાં મોબાઈલ પણ ઝૂંટવી લેવાયો હતો.
રઘુવીરસિંહ ઠાકોર, નવજોતસિંહ ઠાકોર અને પરેશ પટેલ સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડભોઈ પોલીસે તાત્કાલિક ભીલાપુર ગામે પહોંચી સ્થળ તપાસ શરૂ કરી છે અને બંને પક્ષોના નિવેદનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.