- પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી
- મૃતક મોડી રાત્રે મહિલા મિત્રની બહેનપણીના ઘરે શા માટે પહોંચ્યો હતો?
- પોલીસે CCTV કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
રાજકોટઃ રૈયાગામ સ્મશાન નજીક આવેલી 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નીચે ઝંપલાવીને 42 વર્ષીય પાટીદાર અગ્રણી નિમેષ ભંડેરીએ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પરિવારે આ મોતમાં શંકા વ્યક્ત કરી તપાસની માંગણી કરી છે.
ગત મોડી રાત્રે અંદાજે 1:39 વાગ્યે પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નિમેષે ઝંપલાવ્યું હતું. નિમેષ તેની લિવ-ઇન પાર્ટનર આશા પાડલીયાની બહેનપણી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. મોડી રાત્રે કાજલની દીકરી પાણી પીવા ઊઠી ત્યારે નિમેષ રૂમમાં ન દેખાતા તેણે ગેલેરીમાંથી જોયું તો તે નીચે પછડાયેલી હાલતમાં મળ્યો હતો.
નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને તેમને બે સંતાન છે. પારિવારિક વિવાદને કારણે માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા તે છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી આશા સાથે મૈત્રી કરાર હેઠળ લિવ-ઇનમાં રહેતો હતો.
મૃતક નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર 17નો અગ્રણી હતો અને અગાઉ કિસાન મોરચામાં પણ સક્રિય જવાબદારી નિભાવી ચૂક્યો હતો. મૃતકના બનેવી પરેશ સંખાડવાએ જણાવ્યું કે આ સામાન્ય આપઘાત નથી પરંતુ શંકાસ્પદ મોત છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આશા અને કાજલ સહિતના લોકોની પૂછપરછ શરૂ કરી છે. નિમેષ મોડી રાત્રે મહિલા મિત્રની બહેનપણીના ઘરે શા માટે પહોંચ્યો અને ક્યા સંજોગોમાં આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલુ છે.