વડોદરાઃ કેનેડાથી ત્રણ મહિના પહેલા જ પરત આવેલા અને MSc સુધીનો અભ્યાસ કરેલા એક યુવકે વડોદરામાં દુકાન, રેસ્ટોરન્ટ અને બાઇકની ચોરી કરી હતી. ગોરવા પોલીસે ટેક્નિકલ સોર્સ અને સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી આ આરોપીને ઝડપી પાડી ત્રણેય ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સારાભાઈ કેમ્પસમાં એન્ટાર્કટિકા હાઈટ્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પરની સતગુરુ ડ્રાયફ્રૂટ્સ એન્ડ નટ્સ નામની દુકાનનું શટર તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્રણ દિવસના રૂ.1.90 લાખના વકરાની રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે દુકાન માલિક કૈલાશ પલ્લુરામ કાલડાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સિવાય, સારાભાઈ કેમ્પસમાં આવેલી સેફ્રોન રેસ્ટોરન્ટમાંથી પણ રૂ.23,000 ની ચોરી થઈ હતી. જ્યારે ત્રીજા બનાવમાં, ઇનઓરબિટ મોલ સામે ચા પીવા ઊભેલા એક યુવકની બાઇક પણ ચોરાઈ હતી. આ ત્રણેય ગુના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન. લાઠિયાની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે પોલીસે આરોપી ક્રિયેશકુમાર પ્રવીણભાઈ પટેલ (રહે. ખારવા કુવા ફળિયું, જલુંધ ગામ, તા. ખંભાત, જિ. આણંદ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ક્રિયેશકુમારે ત્રણેય ચોરીઓની કબૂલાત કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/