અમેરલીઃ વડિયામાં આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં એક બાઇકના આગળના ભાગમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ, સ્થાનિકો અને સારવાર લઈ રહેલા દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, એક બાઇક ચાલક પોતાની મોટરસાયકલ પાર્કિંગમાં મૂકીને હોસ્પિટલની અંદર ગયો હતો. દરમિયાન જંગલ કે નજીકના અવાવરુ વિસ્તારમાંથી સરકીને એક મોટો કોબ્રા સાપ બાઇક પર ચડી ગયો હતો. સાપ પલભરમાં જ બાઇકના સ્ટેરિંગ અને હેડલાઇટની વચ્ચે આવેલા પ્લાસ્ટિકના ખાંચાવાળા ભાગમાં અંદર ઉતરીને ગોઠવાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતા જ ત્યાં ટોળું વળ્યું હતું.
આ કટોકટીના સમયે તાત્કાલિક સરકારી ઇમરજન્સી સેવા 112 ને જાણ કરવામાં આવી હતી. તેમણે કોઈ પણ જાતના ડર વગર સાપને હેડલાઇટના ભાગમાંથી બહાર કાઢવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ આ ઝેરી કોબ્રા સાપનું કોઈ પણ ઇજા વગર સફળતાપૂર્વક રેસ્ક્યું રવામાં આવ્યું હતું, જેના કારણે હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.