+

માત્ર બોર્ડર જ નહીં, 50 કિ.મી સુધીની દરેક હલચલ પર નજર રાખો: અમિત શાહનો BSF જવાનોને કડક આદેશ

રાજસ્થાનની સાંચૂ પોસ્ટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાનોનો જુસ્સો વધાર્યો સરહદી ગામોમાં ગેરકાયદેસર બાંધકામ પર ત્વરિત એક્શન લેવા સૂચના જયપુરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ભારત-પાક

  • રાજસ્થાનની સાંચૂ પોસ્ટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાનોનો જુસ્સો વધાર્યો
  • સરહદી ગામોમાં ગેરકાયદેસર બાંધકામ પર ત્વરિત એક્શન લેવા સૂચના

જયપુરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી BSFની ઐતિહાસિક સાંચૂ પોસ્ટની મુલાકાતે પહોંચ્યાં હતા. આ સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહે સરહદ પર તૈનાત જવાનો સાથે મુલાકાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને શહીદોને નમન કર્યા હતા.

સાંચૂ પોસ્ટ પહોંચીને અમિત શાહે પ્રહરી સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સરહદને અડીને આવેલા 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવે. તેમણે BSF જવાનોને નિર્દેશ આપ્યાં કે સરહદી ગામોમાં થતા કોઈપણ ગેરકાયદેસર બાંધકામની માહિતી તાત્કાલિક સિવિલ પ્રશાસન અને પોલીસને આપવામાં આવે. BSFની જવાબદારી માત્ર સરહદની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરહદી વિસ્તારોની ગતિવિધિઓ પર પણ સતર્ક નજર રાખવી એટલી જ જરૂરી છે.

ગૃહમંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન BSF જવાનોના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં પણ BSF તૈનાત રહી, ત્યાં જવાનોએ માત્ર મજબૂતીથી મોરચો જ નથી સંભાળ્યો, પરંતુ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો મનોબળ પણ વધાર્યુ છે. અમિત શાહે જણાવ્યું કે દેશના સરહદ પ્રહરીઓ બરફીલા પહાડોથી લઈને ધખધખતા રણ સુધી અને 45 ડિગ્રીથી લઈને માઈનસ 45 ડિગ્રી તાપમાનમાં પણ બહાદુરી, સાહસ અને બલિદાનની ભાવના સાથે પોતાની ફરજો બજાવી રહ્યાં છે. તેમણે ફરજ દરમિયાન શહીદ થયેલા અંદાજે 2 હજાર જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

મુલાકાત દરમિયાન અમિત શાહે સાંચૂ પોસ્ટ પર જવાનો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે પરંપરાગત નાસ્તો પણ કર્યો હતો. તેમણે સરહદ સુરક્ષા ઓપરેશન અને રણની વિષમ પરિસ્થિતિઓમાં જવાનોના અનુભવો વિશે માહિતી મેળવી હતી. અંદાજે 42 ડિગ્રી તાપમાન વચ્ચે ગૃહમંત્રીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો અને તેમની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

અમિત શાહે BSFની વિવિધ સરહદી ચોકીઓ પર નવનિર્મિત 14 મહિલા બેરેકનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, રાજસ્થાનમાં મહિલાઓ માટે કુલ 79 બેરેક મંજૂર કરવામાં આવ્યાં છે, જેમાંથી 67નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે સરહદ સુરક્ષામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે અને સરકાર તેમને બહેતર સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

facebook twitter