અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં થયો મોટો ઘટસ્ફોટ - Gujarat Post

10:29 AM Sep 15, 2025 | gujaratpost

હત્યા કરી નાખજે, તારી દિવાળી સુધરી જશે, આવી રીતે સોપારી આપી હતી

ઘટનાથી પાટીદાર સમાજ અને બિલ્ડર લોબીમાં ચકચાર

અમદાવાદ: ઈન્ડિયા કોલોનીમાં આવેલી કૈલાશધામ સોસાયટીમાં રહેતા બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ હત્યા 25 કરોડ રૂપિયાની લેતીદેતીના વિવાદમાં તેમના જ પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસમાં સગીર સહિત 3 આરોપીઓની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરી હતી.

ગઈ તા. 13 સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગરના રહેવાસી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હત્યા નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં થઈ હતી. આરોપીઓએ હિંમતભાઈનો પીછો કર્યો હતો અને તેઓ પોતાની મર્સિડિઝ કાર પાર્ક કરીને પાછા ફરતા હતા ત્યારે તેમની હત્યા કરી દીધી હતી.

હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને હિંમતભાઈની જ મર્સિડિઝ કારની ડેકીમાં નાખી દીધો હતો અને જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યાં બાદ વિરાટનગર બ્રિજ પાસે કાર છોડીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાનો ભાંડો ફોડવા માટે ઓઢવ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓ હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીરને રાજસ્થાનના શિરોહીથી ઝડપી પાડ્યાં હતા.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે આ હત્યા પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીના કહેવાથી કરવામાં આવી હતી. મનસુખ લાખાણીએ એક વર્ષ પહેલાં પણ હત્યાની સોપારી આપી હતી, પરંતુ ત્યારે આરોપીઓની હિંમત ચાલી ન હતી. તાજેતરમાં તેણે ફરીથી સોપારી આપી અને જણાવ્યું કે હત્યા કરી દે તો તારી દિવાળી સુધરી જશે. આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતકના ફોટો અને વીડિયો પણ મનસુખને મોકલ્યાં હતા. મનસુખ અને હિંમતભાઈ વચ્ચે 25 કરોડની લેતીદેતી અને એક વર્ષ અગાઉ CID ક્રાઈમમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદને લઈને મનદુઃખ ચાલતું હતું, જેનું પરિણામે આ ખૂની ખેલમાં આવ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++