અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે

05:20 PM Jan 28, 2026 | gujaratpost

  • 25 અકસ્માત પ્રભાવી વિસ્તારોમાં હાઈટેક સુવિધા ઉભી કરાશે
  • 4 મહિનામાં કામ પૂરું કરવામાં આવશે

ગાંધીનગર: રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીના એક એવા અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH-48) પર માર્ગ અકસ્માતો ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા વધારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કમર કસી છે. NH-48 ના અમદાવાદ (કિમી 6.400) થી વડોદરા (કિમી 108.700) સુધીના સેક્શનમાં ઓળખી કાઢવામાં આવેલા 'હાઈ ફેટાલિટી ઝોન' (વધારે મૃત્યુ દર ધરાવતા વિસ્તારો) અને જોખમી અકસ્માત પ્રભાવી સ્થળોએ ટૂંકા ગાળાના સુરક્ષા ઉપાયો લાગુ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

આ માટે અંદાજિત ખર્ચ: ₹8,51,34,050 છે. જેમાં  102.300 કિમીનો લાંબો પટ્ટો આવરી લેવામાં આવ્યો છે.  6 હાઈ ફેટાલિટી ઝોન અને 25 અતિ જોખમી અકસ્માત સ્થળો ઓળખવામાં આવ્યા છે. કામ શરૂ થયાના 4 મહિનામાં (120 દિવસ) પૂર્ણ કરવાનું રહેશે.

ટેન્ડર મુજબ, આ હાઈવે પર આધુનિક સુરક્ષા સાધનો અને સુવિધાઓ ઊભી કરવામાં આવશેય જે મુજબઅકસ્માત સ્થળોએ સ્પેશિયલ મેન્ડેટરી અને ઓવરહેડ ગેન્ટ્રી સાઈનબોર્ડ લગાવાશે.  રાત્રિના સમયે દ્રશ્યતા (visibility) સુધારવા માટે સોલર બ્લિંકર્સ અને હાઈ-માસ્ટ સોલર લાઈટિંગની સુવિધા ઉભી કરાશે. ગતિ નિયંત્રણ માટે 10 mm ઊંચાઈના બાર માર્કિંગ અને થર્મોપ્લાસ્ટિક માર્કિંગ કરવામાં આવશે. તેમજ ડિવાઈડર અને અન્ય જરૂરી સ્થળોએ RCC ન્યૂ જર્સી ક્રેશ બેરિયર્સ મૂકવામાં આવશે. આ ઉપરાંત સોલર રોડ સ્ટડ્સ, મીડિયન માર્કર્સ અને વોટર-ફિલ્ડ બેરિકેડ્સથી સુરક્ષા સજ્જ કરાશે.

NHAI એ ઇ-ટેન્ડરિંગ દ્વારા અનુભવી કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી, 2026 (બપોરે 12:00 વાગ્યા સુધી) છે, જ્યારે ટેકનિકલ બિડ 20 ફેબ્રુઆરી ના રોજ ખોલવામાં આવશે. કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટના સરળ અમલીકરણ માટે પ્રોજેક્ટ મેનેજર અને સાઈટ એન્જિનિયરની નિમણૂક કરવાની રહેશે. 

ઉપરાંત, અકસ્માતના કિસ્સામાં તાત્કાલિક પ્રતિસાદ માટે હાઈવે પેટ્રોલિંગ, એમ્બ્યુલન્સ અને ટો-અવે ક્રેન જેવી ઈમરજન્સી સપોર્ટ સેવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રોડ સાઈન માટે 10 વર્ષ અને પેવમેન્ટ માર્કિંગ માટે 3 વર્ષની ડેફ્કેટ લાયબિલિટી (ખામી સુધારણા) પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલથી દરરોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકોની સુરક્ષામાં મોટો વધારો થવાની અપેક્ષા છે.