મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજિત પવારનું વિમાન અકસ્માતમાં મોત થયું હતું. અજિત પવાર બુધવારે સવારે મુંબઈથી બારામતી જવા માટે વિમાનમાં રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ પહેલા વિમાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના બની હતી. પવાર પરિવાર અને મહારાષ્ટ્રના રાજકારણ માટે આ એક ક્યારેય ન પુરાનારો મોટો આંચકો માનવામાં આવે છે.
રાજકારણના 'બેતાજ બાદશાહ' અને બજેટના નિષ્ણાત
મહારાષ્ટ્રના રાજકારણની ધરી ગણાતા અજિત પવાર 8 વખત ધારાસભ્ય અને 6 વખત ડેપ્યુટી સીએમ પદે રહ્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી તરીકેનો વિક્રમ પણ બનાવ્યો હતો.
અજિત પવારની સંસદીય અને વિધાનસભાની તાકાત
અજિત પવારની રાજકીય પક્કડ દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલી હતી. હાલમાં તેમની પાર્ટી પાસે 4 સાંસદો છે (1 લોકસભા અને 3 રાજ્યસભા). લોકસભામાં સુનીલ તટકરે દત્તાત્રેય અને રાજ્યસભામાં પ્રફુલ પટેલ, સુનેત્રા પવાર અને નીતિન જાધવ પ્રતિનિધિત્વ કરે છે. તેમની પાર્ટી કેન્દ્રની મોદી સરકારને સમર્થન આપી રહી છે.
2024 ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના 41 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. હવે તેમના મોત બાદ પક્ષ પાસે 40 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં તેઓ ભાજપ (132 બેઠકો) અને શિંદે જૂથ (57 બેઠકો) વચ્ચે મજબૂત કડી સમાન હતા.
અજિત પવારની તાકાત માત્ર ધારાસભા સુધી મર્યાદિત ન હતી. વિધાન પરિષદમાં તેમના 9 સભ્યો છે. મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં 167 નગરસેવકો અને 37 નગર પરિષદ તેમજ નગર પંચાયતોમાં તેમનો કબ્જો છે. પુણે જિલ્લાની 17 માંથી 10 નગર પરિષદોમાં NCPના પ્રમુખો છે.
2022માં જ્યારે એકનાથ શિંદે સાથે જોડાણ થયું, ત્યારે ભાજપે મુખ્યમંત્રી પદ માટે જે સમજૂતી કરવી પડી હતી, તેમાં અજિત પવારની ભૂમિકા અત્યંત મહત્વની હતી. શિંદેની 'પ્રેશર પોલિટિક્સ' ને નિયંત્રિત કરવા માટે ફડણવીસે અજિત પવારને પોતાની સાથે લીધા હતા. તેમની મદદથી જ ભાજપે 2024માં ફરીથી મુખ્યમંત્રીની ખુરશી મેળવી શકી હતી.
અજિત પવારની સાથે હસન મુશ્રીફ, છગન ભુજબળ, અદિતિ તટકરે અને મકરંદ પાટીલ જેવા દિગ્ગજ મંત્રીઓ પણ જોડાયેલા છે. કેન્દ્રમાં ભલે તેમનો કોઈ મંત્રી ન હોય, પરંતુ રાજ્યસભામાં મહત્વના બિલ પાસ કરાવવામાં મોદી સરકાર માટે તેઓ અત્યંત અગત્યના હતા.
અજિત પવારના અચાનક નિધનથી હવે મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ જશે તેવી શક્યતા છે.