અમદાવાદ: રિટાયર્ડ પ્રિન્સિપાલ પાસે રૂ.5 લાખની લાંચ માંગનાર કોલેજ ટ્રસ્ટી અને વોચમેન ACBના સકંજામાં

10:57 PM Jan 07, 2026 | gujaratpost

અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના હકના નાણાં છૂટા કરવા માટે લાંચ માંગનાર ટ્રસ્ટી વતી નાણાં સ્વીકારતા વોચમેનને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.

એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન, જી.પી.એફ. (GPF) અને રજાના રોકડ રૂપાંતરની ફાઈલો મંજૂર કરવાની હતી. આ કાયદેસરની પ્રક્રિયામાં સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. કુલ લાંચની રકમમાંથી રૂ.2 લાખ અગાઉ ચૂકવી દેવામાં આવ્યાં હતા. બાકીના રૂ. 3 લાખ માટે ટ્રસ્ટી દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હતું.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન ટ્રસ્ટીએ આ રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર ઝંડોલને આપવા જણાવ્યું હતું. જ્યારે વોચમેને ટ્રસ્ટી વતી ફરિયાદી પાસેથી રૂ.3 લાખની રોકડ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. જોકે, આ ટ્રેપની જાણ થતાં મુખ્ય આરોપી ટ્રસ્ટી તિમિર અમીન ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++