- વ્હોટ્સએપ મેસેજ વાઇરલ થયા
- ધારાસભ્યની કાર્યશૈલીને લઈને ભારે રોષ
અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે ભાજપના જ કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના આંતરિક વ્હોટ્સએપ ગ્રુપમાં ધારાસભ્યની કાર્યશૈલીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
વાઇરલ થયેલા મેસેજોમાં કાર્યકરોએ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા છે. કાર્યકરોનો આરોપ છે કે, ધારાસભ્ય વિસ્તારમાં હિટલરશાહી ચલાવી રહ્યાં છે. વિકાસના કામો કરવાને બદલે અંગત અદાવત રાખવામાં તેમને વધુ રસ છે. સિનિયર કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. ચૂંટણી જીત્યા બાદ તેઓ કોઈ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં તેમને કોઈ રસ નથી.
એક કાર્યકરે આક્રોશ ઠાલવતા લખ્યું કે, અમે પાર્ટી માટે કારખાનાના કામ છોડીને પ્રચાર કરીએ છીએ, પણ જો હોદ્દેદારો જવાબ ન આપે તો કોની પાસે અપેક્ષા રાખવી? અમે ફક્ત બસો ભરવા કે ભીડ ભેગી કરવા માટે કાર્યકર્તા નથી બન્યાં.
અમરાઈવાડી બેઠક, જે કોંગ્રેસની વોટબેંક અને ભાજપ વચ્ચેની ટક્કર માટે જાણીતી છે, ત્યાં કાર્યકરોની આ નારાજગી પક્ષ માટે ચિંતાનો વિષય બની છે. કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો આ આંતરિક વિખવાદ નહીં શમે, તો આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે. અગાઉ પણ NRI યુવકને માર મારવા અને સોસાયટીઓના રોડના કામ અટકાવવા જેવા વિવાદોમાં ધારાસભ્યનું નામ ઉછળ્યું હતું. તેમ છંતા ભાજપ હજુ સુધી તેમના ધારાસભ્યને સુધારી શક્યું નથી.