ભરૂચ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈ ઝોનલ ઓફિસે ભરૂચમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. QFON એપ દ્વારા ચલાવવામાં આવતી રૂપિયા 183 કરોડની છેતરપિંડીમાં આ કાર્યવાહી કરાઇ છે. ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના કેસાં ઇડીએ આ ઓપરેશન કર્યું છે. આરોપીઓની ઓળખ સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ શાંતિભાઈ કોટડિયા તરીકે થઈ છે, જેમની 11 માર્ચના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ ધરપકડ કરાઇ છે.
Ms QFON એપ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી પોન્ઝી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અંગેની તપાસ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં 20 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
આરોપીઓ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવતા હતા અને દર મહિને 2 થી 10.5 ટકા જેટલા ઊંચા વળતરની ખાતરી આપતા હતા. સ્કીમમાં એવો દાવો કરવામાં આવતો હતો કે ઓનલાઇન જાહેરાતો જોવા અને એપ-આધારિત ડિજિટલ પ્રવૃત્તિઓ દ્વારા નફો મેળવવામાં આવશે.
તપાસમાં બહાર આવ્યું કે આ એક પોન્ઝી મોડલ હતું, જેમાં નવા રોકાણકારો પાસેથી ઉઘરાવેલા નાણાંનો ઉપયોગ જૂના રોકાણકારોને વળતર ચૂકવવા માટે થતો હતો અને તેમનો વિશ્વાસ જીતી લેવાતો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે રોકાણકારોના નાણાં આરોપીઓ સાથે જોડાયેલી કંપનીઓ, વ્યક્તિઓ અને શેલ એન્ટિટીઝના અનેક બેંક ખાતાઓમાં ફેરવવામાં આવ્યાં હતા. આંગડિયા પેઢીઓમાં પણ નાણાંની હેરફેર કરવામાં આવી હતી.
આરોપીઓ અગાઉની તપાસ અને PMLA તપાસ બંનેમાં ફરાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ દુબઈ (UAE) ભાગી ગયા હતા અને પછી નેપાળના રસ્તે ભારત પરત ફર્યા હતા. સતત સર્વેલન્સ અને બાતમીને આધારે, EDએ ભરૂચ જિલ્લામાં તેમનું લોકેશન ટ્રેસ કર્યું હતું, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 11 માર્ચે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
ED, Mumbai Zonal Office has arrested Sudhir Dalsukhbhai Kotadiya and Umang Santibhai Kotadiya on 11.03.2026 under PMLA, 2002 in connection with a money laundering investigation relating to a fraudulent digital investment scheme operated through M/s QFON App Limited and other… pic.twitter.com/YhY6kx5St9
— ED (@dir_ed) March 13, 2026
અગાઉ વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલા સર્ચમાં રૂ.2.51 કરોડની રોકડ, ડિજિટલ ઉપકરણો અને કૌભાંડ સાથે જોડાયેલા નાણાંકીય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતા. હાલમાં ED દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે.