સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ

11:10 AM Jul 25, 2024 | gujaratpost

અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત સુરત, વડોદરા અને આણંદમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી જ પાણી છે. વડોદરામાં બુધવારે ખાબેકલા 8 ઈંચ વરસાદથી રસ્તાઓ તળાવમાં ફેરવાયા હતા. આણંદના બોરસદમાં 11 ઈંચ વરસાદથી જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ હતી. સુરતમાં ખાડીપૂરની સ્થિતિ ઉદભવી છે, અમદાવાદમાં પણ ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. પરંતુ વધુ વરસાદ ન પડવાથી લોકો બફારાનો સામનો કરી રહ્યો છે.

રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાહત કમિશનર આલોક પાંડે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 9 લોકોનાં મોત થયાં છે. આ સાથે સિઝનમાં મૃત્યુંનો આંકડો 61 થયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526