કોલકાતાઃ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરીના 12મા રાઉન્ડ દરમિયાન એક મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લાંબા સમય સુધી આ વિસ્તારના મતગણતરીના પરિણામો અપડેટ કરવામાં ન આવતા તે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે.
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા અને તૃણમૂલ કોંગ્રેસની તરફેણમાં પડેલા મતોમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ તાત્કાલિક મતગણતરી કેન્દ્ર સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે પણ પહોંચ્યાં હતા.
ચૂંટણી પંચના એક અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,ભવાનીપુર બેઠક માટે મતોની ગણતરી એક નાનકડા વિરામ બાદ ફરી શરૂ થઈ ગઈ છે. એક વ્યક્તિ મોબાઈલ ફોન લઈને ગણતરી કેન્દ્રમાં ઘૂસી જતાં આ અડચણ ઊભી થઈ હતી. મોબાઈલ તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ ગણતરીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.