અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી આરોપી શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ
સુરતઃ વરાછા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટમાં નવો ઘટસ્ફોટ થયો છે. લૂંટારુઓ પોતાની ઓળખ છુપાવવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે લૂંટમાં વપરાયેલી બાઈક આરોપીઓએ તેલંગાણાથી ખરીદી હતી. આ બાઈક ખરીદવા માટે તેઓએ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો.
સુરતમાં રહેવા માટે પણ તેઓએ સુરતના જ રાંદેર વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું, જ્યાં પણ મકાનમાલિકને ઓળખના પુરાવા તરીકે આ જ નકલી દસ્તાવેજો આપવામાં આવ્યાં હતા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગ આંતરરાજ્ય સ્તરે નેટવર્ક ધરાવે છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો આ કેસ ઉકેલવા માટે મહેનત કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે વરાછાથી લઈને રાંદેર અને શહેરના બહાર નીકળવાના માર્ગો પરના 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી છે.
નોંધનિય છે કે વરાછા વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાંથી હથિયારની અણીએ આરોપીઓએ 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.