નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તેમના પદેથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરીને રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિનો સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
જગદીપ ધનખડેએ રાજીનામા પત્રમાં લખ્યું છે કે, હું માનનીય વડાપ્રધાન અને મંત્રી પરિષદનો આભાર વ્યક્ત કરું છું. તેમનો સહયોગ મારા માટે ખૂબ મૂલ્યવાન રહ્યો છે. મને માનનીય સાંસદો તરફથી જે સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતા મળી, તે મારા માટે હંમેશા અમૂલ્ય રહેશે અને મારી સ્મૃતિમાં અંકિત રહેશે. હું આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અમૂલ્ય અનુભવો અને જ્ઞાન માટે અત્યંત આભારી છું.
આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં ભારતની અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ અને અસાધારણ વિકાસના સાક્ષી બનવું અને તેમાં સહભાગી થવું મારા માટે ગર્વ અને સંતોષની વાત રહી છે. આપણા રાષ્ટ્રના આ પરિવર્તનકારી યુગમાં સેવા આપવી મારા માટે સાચું સન્માન રહ્યું છે. જ્યારે હું આ પ્રતિષ્ઠિત પદ છોડી રહ્યો છું, ત્યારે હું ભારતના વૈશ્વિક ઉત્થાન અને તેની અદ્ભભૂત સિદ્ધિઓ પર ગર્વ કરું છું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++