વડોદરાઃ ગુજરાત લોકલ બોડી ઈલેક્શન પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 19માં મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. આર્મીમેનમાંથી રાજકારણી બનેલા અને અત્યાર સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ સૈનિકે હવે ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ભાવુક વીડિયોમાં ધર્મેન્દ્રસિંહે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હું કારગિલનો યોદ્ધા રહ્યો છું, ત્યાં બે મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પણ મને એટલી તકલીફ નથી પડી જેટલું દુઃખ આજે કોંગ્રેસે ટિકિટ ન આપીને આપ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાત્રે 2 વાગ્યે તેમની ટિકિટ કાપીને પક્ષે તેમની સાથે વિશ્વાસઘાત અને અન્યાય કર્યો છે.
ધર્મેન્દ્રસિંહ રાજપૂતે દિલ્હીના નેતાઓ પર ગદ્દારીનો આરોપ લગાવતા કહ્યું કે, બંને પક્ષોએ રાજનીતિને વેપારની મંડી બનાવી દીધી છે. પૈસાના લોભમાં મારી ટિકિટ કાપવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશભક્ત માને છે, પરંતુ સ્થાનિક અને દિલ્હીના સ્તરે તેમની સાથે અન્યાય થયો છે.
વોર્ડ નંબર 19ના મતદારોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ સતત જનતાની વચ્ચે રહીને 'ડોર-ટુ-ડોર' કેમ્પેનિંગ કરી રહ્યા છે. અન્ય ઉમેદવારોને બેઈમાન અને અશિક્ષિત ગણાવી તેમણે જનતાને એક દેશભક્તને જીતાડવા હાકલ કરી છે. તેમણે પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરશે.
એક તરફ ભાજપ અને કોંગ્રેસ પોતાની પેનલ જીતાડવા મથી રહ્યા છે, ત્યારે ધર્મેન્દ્રસિંહ રાજપૂત જેવો મજબૂત ચહેરો અપક્ષ તરીકે મેદાનમાં આવતા વોર્ડ નંબર 19નો જંગ હવે ત્રિપાંખિયો અને રસાકસીભર્યો બની ગયો છે.