ખેડાઃ ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક આવ્યો છે અહીં ચારેય ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે.
ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ચિખલોડ બેઠક પર અચાનક નાટકીય સ્થિતિ સર્જાઈ છે. આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કુલ ચાર ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં એક ભાજપ, એક કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થતો હતો.
પરંતુ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખે અચાનક ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. એક જ બેઠક પર તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાની ઘટના સ્થાનિક રાજકારણમાં અનેક સવાલો ઉભા કરી રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચા એવી પણ છે કે ચિખલોડ ગામ અગાઉ કપડવંજ તાલુકા હેઠળ આવતું હતું, પરંતુ નવા ફાગવેલ તાલુકાની રચના થયા બાદ ગામનો સમાવેશ ફાગવેલ તાલુકામાં કરાયો હતો. આ નિર્ણય સામે શરૂઆતથી જ કેટલાક લોકોમાં અસંતોષ જોવા મળતો હતો.
રાજકીય નિરીક્ષકોના મત મુજબ ચૂંટણીમાં રહેલા તમામ ઉમેદવારો દ્વારા એક સાથે ફોર્મ પરત ખેંચવું તે પહેલી જ વખતે બન્યું છે. તેની પાછળ શું કારણ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, હાલ આ ઘટનાને કારણે ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.