+

સુરતમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના 111 ઉમેદવારો ફાર્મ હાઉસમાં નજરકેદ, ભાજપ નેતાની એન્ટ્રીથી ફફડાટ

સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સુરતનું રાજકારણ ગરમાયું છે. ભાજપની તોડજોડની નીતિ અને ઓપરેશન લોટસ'ના ડરથી બચવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન-બી અ

સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સુરતનું રાજકારણ ગરમાયું છે. ભાજપની તોડજોડની નીતિ અને ઓપરેશન લોટસ'ના ડરથી બચવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન-બી અમલમાં મૂકી તમામ 111 ઉમેદવારોને એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દીધા હતા.

ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની બપોરે 3 વાગ્યાની ડેડલાઈન પૂરી ન થાય ત્યાં સુધી તમામ ઉમેદવારોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવવી દેવાયા હતા. ફાર્મ હાઉસના એસી બેન્કવેટ હોલમાં ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જમવામાં ગુજરાતી મેનૂ - ફાડા લાપસી, બે શાક, દાળ-ભાત, છાશ, પાપડ અને ખમણની વ્યવસ્થા કરાઈ હતી. મોડી સાંજ સુધી કોઈ ઉમેદવાર બહાર ન નીકળે તેવું કડક આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન વચ્ચે ભાજપના એક નેતા પોતાની ઈનોવા કાર લઈને આ ગુપ્ત ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા હોવાના CCTV સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. વોર્ડ નંબર 18ના AAP ઉમેદવાર ગૌતમ પટેલની સામે ચૂંટણી લડી રહેલા ભાજપના દિનેશ રાજપુરોહિત ઈનોવા કાર લઈને ફાર્મ હાઉસ પહોંચ્યાં હતા. જો કે, પળવારમાં જ તેઓ ત્યાંથી પૂરઝડપે કાર હંકારીને ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી રક્ષણની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સવારે AAP નેતા રજનીકાંત વાઘાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા તેમના ઉમેદવાર ગૌતમ પટેલને કોર્ડન કરી ઉઠાવી જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આક્ષેપ બાદ જ તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.

હાલ તો ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થઈ છે, પરંતુ ફાર્મ હાઉસમાં ભાજપના નેતાની એન્ટ્રીએ સુરતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

facebook twitter