- કોર્ટમાં દલીલો થઈ પૂર્ણ
- 2024માં બીજા નોરતાની રાત્રે ઘટના બની હતી
- બે બાઈક પર 5 આરોપીઓ આવ્યા હતા
વડોદરાઃ ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજે પોક્સો કોર્ટમાં સજા પર અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આરોપીઓની હાજરી વચ્ચે સરકારી પક્ષે નરાધમોને કડકમાં કડક સજા ફટકારવાની રજૂઆત કરી હતી.
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈ અને સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે આ જઘન્ય ગુના માટે આરોપીઓને ફાંસી અથવા તો તેમના છેલ્લા શ્વાસ સુધીની સખત આજીવન કેદ મળવી જોઈએ. પ્રોસિક્યુશન પક્ષે રજૂ કરેલા તમામ સાંયોગિક પુરાવા, મેડિકલ રિપોર્ટ્સ અને પુરાવાનો નાશ કરવા વિશ્વામિત્રી નદીમાં ફેંકેલો મોબાઈલ ફાયર બ્રિગેડ દ્વારા રિકવર કરાયાની જુબાનીને કોર્ટે શંકારહિત માની છે. લૂંટનો દાવો પણ પુરવાર થયો છે. 22 મહિના ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ હવે પોક્સો કોર્ટ આગામી 31મી ઓગસ્ટે દોષિતોની સજાનું એલાન કરશે.
ઓક્ટોબર 2024માં બીજા નોરતાની રાત્રે 16 વર્ષીય સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી ત્યારે ભાયલીના નિર્જન વિસ્તારમાં બે બાઇક પર 5 શખ્સો ધસી આવ્યા હતા. તેમણે વાહનની ચાવી ઝૂંટવી પિતાને બોલાવવાની ધમકી આપી હતી.
સગીરાએ બૂમાબૂમ કરતાં બે શખ્સો ભાગ્યા હતા, જ્યારે બાકીના 3 શખ્સોએ સગીરાના મિત્રને બંધક બનાવી સગીરા પર બર્બરતાપૂર્વક ગેંગરેપ આચર્યો હતો. ઘટના બાદ પીડિતાએ તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.