ભારત પર મોટો ટેરિફ લગાવનારા ટ્રમ્પે ગણતંત્ર દિવસ પર આપ્યો મોટો મેસેજ, કહ્યું - ભારત અને અમેરિકા....

06:22 PM Jan 26, 2026 | gujaratpost

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર મોટો ટેરિફ લગાવ્યો છે અને હવે ગણતંત્ર દિવસ પર ટ્રમ્પે મોટો મેસેજ આપ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અભિનંદન પાઠવતા કહ્યું કે, વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી હોવાના નાતે અમેરિકા અને ભારત એક ઐતિહાસિક બંધન ધરાવે છે. ટ્રમ્પની આ શુભેચ્છાઓ એવા સમયે આવી છે જ્યારે અમેરિકાની વેપાર અને ટેરિફ (શુલ્ક) નીતિઓ સહિત અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની જનતા વતી, હું ભારત સરકાર અને ત્યાંના લોકોને તેમના 77માં પ્રજાસત્તાક દિવસના અવસરે અભિનંદન પાઠવું છું. ટ્રમ્પનો આ સંદેશ નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતને શુભેચ્છા પાઠવી હતી, કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક જોડાણ છે. તેમણે ઉમેર્યું કે, સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો અને ઉભરતી ટેકનોલોજી પરના અમારા ગાઢ સહયોગથી લઈને ‘ક્વાડ’દ્વારા અમારી બહુસ્તરીય ભાગીદારી સુધી, ભારત-અમેરિકા સંબંધો આપણા બંને દેશો અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વાસ્તવિક પરિણામો આપે છે. રુબિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સમાન ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આશાવાદી છે.

નોંધનીય છે કે, આ વખતે પરેડમાં અમેરિકા નિર્મિત પરિવહન વિમાન C-130J અને અપાચે હેલિકોપ્ટર સહિત અનેક ફાઈટર વિમાનો સામેલ હતા. પ્રજાસત્તાક દિવસની પરેડમાં બે મુખ્ય અતિથિઓ હતા - યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, જેમણે આજે કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું જીવંત પ્રદર્શન નિહાળ્યું હતું.

આ વખતની મુખ્ય પરેડની થીમ 'વંદે માતરમ્' રાખવામાં આવી હતી. પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર 30 ઝાંખીઓ નીકળી હતી, જે 'સ્વતંત્રતાનો મંત્ર-વંદે માતરમ્, સમૃદ્ધિનો મંત્ર-આત્મનિર્ભર ભારત' થીમ પર આધારિત હતી. આ દરમિયાન ઇન્ડિયન એરફોર્સના 29 એરક્રાફ્ટે ફ્લાયપાસ્ટ કર્યું હતું, જેમાં 16 ફાઇટર જેટ, 4 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 9 હેલિકોપ્ટરનો સમાવેશ થયો હતો.