અમેઠીમાં હંગામો, કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ, BJP પર આરોપ

08:43 PM May 06, 2024 | gujaratpost

અમેઠીઃ યુપીના અમેઠીમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યાં બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો

કોંગ્રેસે આ ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. યુપી કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ છે. અમેઠીમાં વહીવટીતંત્રની હાજરીમાં ભાજપના કાર્યકરોએ જિલ્લા કાર્યાલયની બહાર પાર્ક કરાયેલા વાહનોની તોડફોડ કરી હતી. કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલ ઉપસ્થિત હતા. તેમણે કોંગ્રેસના લોકો સાથે મળીને બદમાશોનો ત્યાંથી પીછો કર્યો હતો. યુપી કોંગ્રેસે કહ્યું, 'ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે, તેથી જ તેમને આવા નીમ્ન કક્ષાના કૃત્યોનો આશરો લીધો છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના સિંહો કોઈનાથી ડરતા નથી.

અમેઠીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો

અમેઠીમાં કોંગ્રેસે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યાં છે, જેઓ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રના પ્રતિનિધિ હતા. તેમની સ્પર્ધા ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાની સાથે છે. જ્યારે બસપાએ આ સીટ પર નન્હે સિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જો કે અહીં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે.

આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાંસદ છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યાં હતા. એક તરફ કોંગ્રેસ પોતાનું ગુમાવેલું વર્ચસ્વ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે, બીજી તરફ ભાજપ ફરી એકવાર આ સીટ પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526