ટેકસાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ તેના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. યુવક પંજાબના નવાશહર જિલ્લાના લખપુર ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તે માત્ર 19 વર્ષનો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
શું છે આખો મામલો ?
ટેક્સાસના એલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળીબારમાં હત્યાના કેસમાં ગૌરવ ચોપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસ અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વિતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. ત્રણેયના માથામાં ગોળી વાગવાથી મોત થયા હતા.
યુવાનનો ભાઈ માંડ માંડ બચ્યો
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ગૌરવ ચોપરાએ તેના માતા-પિતા અને દાદી પર ગોળીબાર કર્યો હતો. ઘટના દરમિયાન તેણે તેના ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો, જે ઘટના સ્થળ પરથી ભાગી જવાથી તે બચી ગયો હતો. ત્યાર બાદ ભાઈએ 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો પરંતુ પોલીસે પીછો કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. પીછો કરતી વખતે થયેલા માર્ગ અકસ્માતમાં બે અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી.
કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યા પાછળના હેતુની તપાસ ચાલુ છે. આરોપી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલી (UTRGV)નો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.