રાજ્યના આ જિલ્લામાં ધોધમાર વરસાદ, નદીઓ અને ડેમ છલકાયા

10:04 AM Jul 02, 2024 | gujaratpost

જૂનાગઢઃ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સોમવારે ભારે વરસાદ થયો હતો. ધોધમાર વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરી હતી. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

14 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો

જૂનાગઢ જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે સાબલી, ઓજત અને બાંટવા-ખારાવ જળાશયોમાંથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે દામોદર કુંડ ઓવરફલો થયો છે.

દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં ભારે વરસાદ થયો

સોમવારે ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. પ્રશાસને મંગળવારે જિલ્લાભરની શાળાઓમાં ઔપચારિક રીતે રજા જાહેર કરી છે. સોમવારે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હતો. દેવભૂમિ દ્વારકામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં પણ ભારે વરસાદ થયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ અને કચ્છ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, કચ્છ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને સ્થાનિક સ્તરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526