ઝારખડઃ ગુરુવારે મોડી રાત્રે 11.30 વાગ્યે રામગઢ-બોકારો મુખ્ય રોડ પર લારી ગામ નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતાં પિકઅપ વાહનમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘાયલ વ્યક્તિને પહેલા રામગઢ સદર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાંચીના રિમ્સમાં રિફર કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, તે બધા તાશા બેન્ડના સભ્યો હતા. તે મોહરમના કાર્યક્રમનું સમાપન કરીને તેમના ગામ પરત ફરી રહ્યાં હતા. ટક્કર એટલી ગંભીર હતી કે પિકઅપ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
પોલીસે ટ્રક કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ટ્રક ડ્રાઈવર ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તાશા બેન્ડમાં સામેલ બે યુવાનો રામગઢના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મારંગમાર્ચા ગામના રહેવાસી હતા, જ્યારે પાંચ કુજુના બાલસાગરા ગામના રહેવાસી હતા. આ બધા 35 થી 40 વર્ષની વયના હતા.
પોલીસના જણાવ્યાં અનુસાર, પિકઅપ (JH 02Q-8268) ગોલાથી રામગઢ તરફ તાશા બેન્ડના સભ્યોને લઈને જઈ રહી હતી, જ્યારે કોલસા ભરેલી LP ટ્રક (JH 02AA-4786) વિરુદ્ધ દિશામાંથી ખૂબ જ ઝડપે આવી રહી હતી. સામે આવી રહેલી પિકઅપને ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતના પગલે ગ્રામજનોએ વળતર અને વાહનોની ઝડપી ગતિને રોકવા માટે પગલાં લેવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા.