T-20 વર્લ્ડકપ: અમે તો તૈયાર છીએ, પાકિસ્તાને જ રમવાની ના પાડી છે, બહિષ્કારના ડ્રામા પર સૂર્યકુમાર યાદવનો વળતો પ્રહાર

09:00 PM Feb 05, 2026 | gujaratpost

મુંબઈ- કોલંબો: T- 20 વિશ્વ કપનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. તે પહેલા ગુરુવારે મુંબઈ અને કોલંબોમાં 'કેપ્ટન્સ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના બહિષ્કારના ડ્રામા પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, અમે પાકિસ્તાન સામે રમવાની ના નથી પાડી, તેમણે રમવાનો ઇનકાર કર્યો છે. ભારત રમવા માટે તૈયાર છે. ICCએ શેડ્યૂલ નક્કી કર્યું હતું અને અમે તે મુજબ તૈયાર છીએ. અમારી ટિકિટો પણ બુક થઈ ગઈ છે. પહેલા અમે મુંબઈમાં અમેરિકા અને પછી દિલ્હીમાં કેનેડા સામે રમીશું. આ બંને મેચો બાદ અમે દિલ્હીથી કોલંબો જવા રવાના થઈશું.

T20 વર્લ્ડ કપ પહેલા ICC દ્વારા કેપ્ટનોના આ મિલનને 'કેપ્ટન્સ કાર્નિવલ' નામ આપવામાં આવ્યું હતું. જેમાં અડધા કેપ્ટનો મુંબઈમાં અને અડધા કોલંબોમાં ભેગા થયા હતા. ICC એ આ કાર્યક્રમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.પાકિસ્તાન સરકારે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી નહીં, પરંતુ સીધો પાકિસ્તાન સરકાર તરફથી આવ્યો છે.

તેમણે પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે જાણ કરી છે. જોકે, ICCએ જણાવ્યું કે તેમને PCB તરફથી આવી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. અગાઉ સુરક્ષાના કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરવા બદલ બાંગ્લાદેશને વર્લ્ડકપમાંથી હટાવીને સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન મેચ હંમેશા મોટી રેવેન્યું જનરેટ કરે છે, તેથી બહિષ્કારની સ્થિતિમાં આર્થિક નુકસાન થાય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામેની મેચના બહિષ્કારને યોગ્ય ગણાવતા કહ્યું કે, અમે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે અમે ભારત સામે નહીં રમીએ કારણ કે રમતગમતના મેદાનમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. અમે આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો છે. બીજી તરફ બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે ફેસબુક પર 'શુક્રિયા પાકિસ્તાન' લખી તેમનો આભાર માન્યો હતો. જો કે, એક તરફ શરીફ રમત અને રાજકારણને અલગ રાખવાની વાતો કરે છે. બીજી તરફ તેમની સરકાર જ બોર્ડને ન રમવા માટે દબાણ કરી રહી છે, જેનાથી પાકિસ્તાનનો બેવડો ચહેરો બેનકાબ થયો છે.

ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે કે જો તેઓ આ હાઈ-પ્રોફાઈલ મેચ નહીં રમે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સ માટે આ મેચ કમાણીનું મુખ્ય સાધન છે. પાકિસ્તાની ટીમ બાકીની લીગ મેચો રમવા માટે કોલંબો પહોંચી ગઈ છે. PCB પ્રમુખ મોહસિન નકવીએ કહ્યું હતું કે બાંગ્લાદેશને બહાર કરવાનો નિર્ણય યોગ્ય નથી અને સુરક્ષા ચિંતાઓનું નિવારણ થવું જોઈતું હતું.