T- 20 વર્લ્ડ કપ 2026: શું ભારત સામે રમવાથી ડરી રહ્યું છે પાકિસ્તાન ? હારના ડરથી મેચ છોડવાનો પ્લાન !

06:13 PM Jan 26, 2026 | gujaratpost

  • ભારત સામે રમ્યા વગર પણ પાકિસ્તાન આગલા રાઉન્ડમાં જઈ શકે છે
  • હવે વધુ બેઈજ્જતી સહન કરવાની સ્થિતિમાં નથી PCB

નવી દિલ્હીઃ T- 20 વર્લ્ડકપ 2026ની પ્રથમ મેચ હવે માત્ર 12 દિવસ દૂર છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નાટક હજુ પૂરું થયું નથી. પીસીબીએ ભલે વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી હોય, પરંતુ આ ટૂર્નામેન્ટમાં રમવા અંગે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. આ દરમિયાન પાકિસ્તાનથી એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જે દર્શાવે છે કે પીસીબી નવી નૌટંકીની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ સોમવારે જ પોતાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. નકવીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ટીમ સાથે વાત કરવા માંગે છે. આ બેઠકમાં શું થયું તેનો ખુલાસો થયો નથી, પરંતુ જાણકારી મળી છે કે કેપ્ટન સલમાન અલી આગા સહિત તમામ ખેલાડીઓએ કહ્યું છે કે પાકિસ્તાન સરકાર અને પીસીબી જે પણ નિર્ણય લેશે તેની સાથે તેઓ છે. હાલ પૂરતું તૈયારીઓ અટકાવી દેવામાં આવી છે.

એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન આઈસીસી T- 20 વર્લ્ડકપનો બહિષ્કાર તો નહીં કરે, પરંતુ ભારત સામેની મેચમાંથી પાછળ હટી શકે છે. આજે સાંજે જ પીસીબી ચીફ નકવી અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ વચ્ચે મુલાકાત થવાની છે, ત્યાર બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો વધુ નાટક નહીં કરવામાં આવે તો પાકિસ્તાન આજે મોડી સાંજ સુધીમાં આ બાબતે પોતાનો મંતવ્ય સ્પષ્ટ કરી દેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે T- 20 વર્લ્ડકપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ રમાવાની છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાન આ મેચમાંથી હટવાનો પ્લાન બનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મેચ રમ્યા વગર પણ તેને માત્ર બે પોઈન્ટનું નુકસાન થશે, જે તે ભારતને આપી શકે છે. આમ કરવાથી પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર નહીં થાય. પાકિસ્તાનના ગ્રુપમાં ભારત સિવાય બાકીની ટીમો એવી છે કે જેની સામે જો પાકિસ્તાન થોડું સારું રમે તો તે આરામથી આગલા રાઉન્ડમાં પહોંચી શકે છે.

પાકિસ્તાનની ટીમ જ્યારે પણ T- 20 ઈન્ટરનેશનલમાં ભારત સામે ઉતરે છે ત્યારે તેને મોટાભાગે હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમાયેલા એશિયા કપમાં બંને ટીમો વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ હતી અને ત્રણેય મેચમાં ભારતનો વિજય થયો હતો. હવે ફરીથી વર્ષ 2026ની ફેબ્રુઆરીમાં પાકિસ્તાની ટીમ ભારત સામે હારી ન જાય અને તેની ફજેતી ન થાય, તેનાથી બચવા માટે પીસીબી આવું પગલું ભરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પીસીબી ચીફ મોહસિન નકવી પીએમ સાથે મળીને શું નિર્ણય લે છે.