સુરતઃ શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગના પગલે ફલેટમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હોવાથી ચાર લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા હતા. આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને લેડરથી માતા-પિતા અને બે પુત્રને સહીસલામત નીચે ઊતાર્યા હતા.
વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે વહેલી સવારે 03.26 કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ત્રીજા માળની ગેલેરીમાંથી ચાર લોકોને સહી સલામત નીચે ઊતારવામાં આવ્યા હતાં અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ કિચનના ભાગે લાગવાના કારણે સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેથી પરિવારના ચાર લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતા ઘરની ગેલેરીમાં ચાલી ગયા હતા. ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++