સાબરકાંઠાઃ 5 દિવસમાં ચાંદીપુરા વાયરસના કારણે 6 બાળકોનાં મોત, શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને 12 થઈ

09:37 AM Jul 16, 2024 | gujaratpost

સાબરકાંઠાઃ તાવ અને ફ્લૂ જેવા લક્ષણો બાદ ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં છ બાળકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે રાજ્યભરમાં આ રોગથી પ્રભાવિત બાળકોની કુલ સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ફલૂ જેવા હોય છે. તે તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) નું પણ કારણ બને છે. આ પેથોજેન રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર અને માખીઓ દ્વારા ફેલાય છે. પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. ગુજરાતમાં દર વર્ષે આ વાયરસના કેસો નોંધાય છે. ભારત સિવાય આ વાયરસ એશિયા અને આફ્રિકાના કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે.

આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલે સોમવારે જણાવ્યું હતું કે આ 12 દર્દીઓમાંથી ચાર સાબરકાંઠાના, ત્રણ અરવલ્લીના અને એક-એક મહિસાગર અને ખેડા જિલ્લાના છે. બે દર્દી રાજસ્થાનના અને એક મધ્યપ્રદેશનો છે. દરેકની સારવાર ગુજરાતમાં કરવામાં આવી રહી છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના છ દર્દીઓના મોત થયા છે, પરંતુ સેમ્પલના પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ મૃત્યું ચાંદીપુરા વાયરસના કારણે થયા છે કે નહીં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છમાંથી પાંચના મોત થયા છે.

સાબરકાંઠાના આઠ સહિત તમામ 12 નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યાં છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળ ચિકિત્સકોએ 10 જુલાઈના રોજ ચાર બાળકોના મૃત્યુનું કારણ ચાંદીપુરા વાયરસ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમના નમૂનાઓ પુષ્ટિ માટે NIV માં મોકલવામાં આવ્યાં હતા. બાદમાં હોસ્પિટલમાં વધુ ચાર બાળકોમાં સમાન લક્ષણો જોવા મળ્યાં હતા.

પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે 4,487 ઘરોમાં 18,646 લોકોની તપાસ કરી છે. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ 24 કલાક કામ કરી રહ્યું છે. તાવ ઉપરાંત ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે. જો આ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526