+

સાબરકાંઠામાં ટોળાએ એક મહિલાને ડાકણ ગણાવીને કર્યો હુમલો, તેનો પતિ બચાવવા ગયો તો તેની કરી હત્યા

(AI-PHOTO) સાબરકાંઠાઃ વિજય નગર તાલુકાના ગાડીવાકડા ગામમાં અંધશ્રદ્ધાને કારણે મહિલા પર હુમલો કરવામાં આવ્યો. જેમાં તેમના પતિ મનુભાઈ ડામોર બચાવવા જતા ટોળાએ તેમને માર મારીને તેમની હત્યા કરી નાખી હત

(AI-PHOTO)

સાબરકાંઠાઃ વિજય નગર તાલુકાના ગાડીવાકડા ગામમાં અંધશ્રદ્ધાને કારણે મહિલા પર હુમલો કરવામાં આવ્યો. જેમાં તેમના પતિ મનુભાઈ ડામોર બચાવવા જતા ટોળાએ તેમને માર મારીને તેમની હત્યા કરી નાખી હતી, ગામમાં અફવાઓ ફેલાઇ હતી કે આ મહિલા ડાકણ છે. 

ટોળાના હુમલાથી પત્નીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે મનુભાઈ ડામોરનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. ગામમાં એક સ્થાનિક રહેવાસીએ મહિલા ડાકણ હોવાની અફવા ફેલાઈ હતી અને પછી આ જીવલેણ અથડામણ થઈ હતી.

પોલીસના જણાવ્યાં અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રામજનોનું ગુસ્સે ભરાયેલું ટોળું એકત્ર થયું અને મનુભાઈ રામજીભાઈ ડામોર અને તેમની પત્નીને પોતાનો સામાન પેક કરીને કાયમ માટે ગામ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

ટોળું મહિલાના ઘર તરફ હુમલો કરવા માટે આગળ વધ્યું હતું. તેમણે ઘર પર પથ્થરમારો કર્યો હતો. જીવનું જોખમ હોવાનું સમજી જતા મનુભાઈ અને તેમના બાળકો મહિલાને હુમલાખોરોથી બચાવવા દોડી ગયા હતા.

ગ્રામજનોએ પરિવાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. અથડામણમાં મનુભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના પરિણામે તેમનું મોત થયું હતું. પરિવારના અન્ય બે સભ્યો પણ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતને તાત્કાલિક તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ ડોક્ટરોએ પહોંચતા જ તેમને મૃત જાહેર કર્યા હતા.

ખેડબ્રહ્મા ડિવિઝન પોલીસે જણાવ્યું કે હત્યાના સંદર્ભમાં ગામના 12 લોકો સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જે શંકાસ્પદોના નામ આપ્યા છે તેમાં 8 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે જેઓ ટોળાનો ભાગ હતા. સ્થાનિક પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા અને ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે.

facebook twitter